Site hosted by Angelfire.com: Build your free website today!

pdf file

 

 

ઈ-યોજના સહાયક અને તેના દ્વારા પસંદ કરેલ સ્વર્ણજયંતી ગ્રામ સ્વરોજગાર યોજનાનું કૉમ્પ્યુટીકરણ:
વિશ્લેષણ, રચના અને માહિતી નિરૂપણ

 

 

 

 

શોધકર્તા

ધીરેન બ. પટેલ

 

 

 

 

 

માર્ગદર્શક

પ્રૉ. બી. વી. બુદ્ધદેવ

પ્રૉફેસર અને હેડ ઓફ એમ.સી.એ.,

કૉમ્પ્યુટર એન્જિન્યરીંગ ડિપાર્ટમેન્ટ,

એલ.ડી. એન્જિન્યરીંગ કોલેજ

 

 

 

 

વિદ્યાવાચસ્પતિ (પીએચ.ડી.)ની પદવી માટે કૉમ્પ્યુટર વિજ્ઞાન વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠ

માટે તૈયાર કરેલ શોધનિબંધ

૨૦૦૫

 

 

 

કૉમ્પ્યુટર વિજ્ઞાન વિભાગ

મહાદેવ દેસાઈ સમાજસેવા મહાવિદ્યાલય

ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ - ૩૮૦૦૧૪

 

pdf file

સારાંશ

 

 

        ભારત દેશની ગ્રામીણ સમાજવ્યવસ્થામાં આઝાદી પહેલાંના સમયમાં ગરીબ-અમીરનો ભેદભાવ ઘણો હતો, જે ખાસ કરીને જુદા જુદા વર્ણોના કાર્યોના પ્રકારના મૂલ્યાંકનના કારણે ઉદ્દભવ્યો હતો. આ વ્યવસ્થામાં જન્મની સાથે જ તમારે કરવાનું કાર્ય નક્કી હોય, તે કાર્યના બદલામાં મળવાપાત્ર ગામની ઉપજના હિસ્સાનો ભાગ ચોક્કસ હોવાથી બેકારી ન હતી. તેમજ અમુક કાર્યો કરનારને તહેવારના દિવસોમાં ધનિક લોકો દ્વારા ધન, અનાજ વગેરે આપવાની પ્રથા અસ્તિત્ત્વમાં હતી. આ રીતે ગરીબોને સમાજ દ્વારા લાભો મળતા હતા. હવે આવી પ્રથા અસ્તિત્ત્વમાં ન હોવાથી સરકાર દ્વારા યોજનાઓ જાહેર કરવામાં આવે છે, તેનો લાભ જરૂરિયાતમંદો(ગરીબો) લઇ શકે છે.

 

        ભારતના ૭૦% થી પણ વધુ લોકો ગ્રામીણ વિસ્તારમાં રહે છે. તેને ધ્યાનમાં રાખીને ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા ગ્રામીણ લોકોના સ્તરને ઉપર લાવવાના આશયથી અનેક યોજનાઓ અમલમાં મૂકેલ છે, તેમજ જરૂરિયાત પ્રમાણે નવી નવી યોજનાઓ સમયાંતરે ઉમેરવામાં આવે છે અને જરૂરિયાત ના હોય તેવી અથવા યોજનાનો સમયકાળ પૂર્ણ થયેલ હોય તેવી યોજનાઓ બંધ કરવામાં આવે છે. યોજનાઓનો ફાળો  સરકાર અથવા વૈશ્વિક બેંકો દ્વારા ફાળવવામાં આવતો હોય છે.

 

        ગ્રામીણવિકાસ મંત્રાલયને ત્રણ વિભાગોમાં વિભાજિત કરવામાં આવેલા છે. તે વિભાગોનાં નામો અનુક્રમે “ગ્રામીણવિકાસ વિભાગ”, “ભૂમિ સંસાધન વિભાગ” અને “પેયજળ પુરવઠા વિભાગ” છે. ગ્રામીણવિકાસ મંત્રાલયને મદદરૂપ થવા માટે રાજ્ય કક્ષાએ “રાજ્ય ગ્રામીણવિકાસ વિભાગ”, જિલ્લા કક્ષાએ “જિલ્લા ગ્રામવિકાસ એજન્સી”, તાલુકા કક્ષાએ “તાલુકા પંચાયત” અને ગ્રામીણ કક્ષાએ “ગ્રામીણ પંચાયત” કાર્ય કરતા હોય છે.

 

        સરકાર માટે માણસો દ્વારા બઘાં કામોનું સંકલન અને સંભાળ લેવી સમય જતાં જટિલ અને ખર્ચાળ બનતા જાય છે. સદભાગ્યે તકનીકી વિજ્ઞાનના ક્ષેત્રે કૉમ્પ્યુટર, ઇન્ટરનેટ અને મોબાઇલ ફોનનો ઉદય થયો, જેના કારણે આ વિજ્ઞાન આજે સામાન્ય લોકો સુઘી પહોંચી શકે તેવી શક્યતા ઊભી થઇ છે. આમ, સરકારનાં કાર્યો માટે કૉમ્પ્યુટર, ઇન્ટરનેટ અને મોબાઇલ ફોનનો ઉપયોગ કરીને જટિલતા ઓછી કરવા માટે ઇ-ગવર્નમૅન્ટના પ્રોજૅક્ટો શરૂ કરવામાં આવ્યા છે. 

 

        સરકાર સાથે થતા વિવિધ વ્યવહારો પારદર્શક, ઝડપી, ચોકસાઇપૂર્ણ કરવા માટે ઉપયોગમાં લેવાતાં આઘુનિક સાઘનો, તેમજ સરકારની માહિતીઓ અને સંદેશા વ્યવહાર દ્વારા તૈયાર થતું માળખુ, કે જેનાથી નાગરિકોને સરકાર દ્વારા અપાતી માહિતી અને સેવાઓ અગાઉ કરતાં ઘણી અસરકારક રીતે આપી શકાય તેને ઇ-ગવર્નમૅન્ટ કહેવાય છે. આમ, ઇ-ગવર્નમૅન્ટ દ્વારા સરકારના કાર્યો સરળ, ઝડપી, સસ્તા, વધારે અસરકારક અને તરત જ પ્રત્યુત્તર આપે તેવું માળખું તૈયાર કરી શકાય છે.

 

        ગુજરાત સરકારમાં ઘણી યોજનાઓ ચાલતી હોય છે. જેમાંથી આમ, જનતાને પોતાની જરૂરિયાત સંતોષી શકે તેવી કઈ યોજના છે તે જાણવું ઘણું જ અઘરું હોવાથી, નાગરિક મૂળ જરૂરિયાત ઓછી કરીને જે યોજનામાંથી લાભ લેવો જોઇએ તેના બદલે બીજી યોજનામાંથી લાભ લે છે. આમ, જરૂરિયાતવાળા નાગરિકો યોગ્ય માહિતીના અભાવે યોજનાઓનો યોગ્ય લાભ મેળવી શકતા નથી. જરૂરિયાતવાળા નાગરિક કે નાગરિકો  પાસેથી તેમની જરૂરિયાતની માહિતી કૉમ્પ્યુટરમાં લઈ પ્રક્રિયા કરીને તેમના માટે કઈ યોજનાથી મહત્તમ ફાયદો થઈ શકે તેમ છે, તેવી પદ્ધતિ તૈયાર કરવી ઘણી જ અગત્યની છે.

 

        યોજનાઓના મુખ્ય હેતું પ્રમાણે વર્ષોથી પછાત રહેલ જાતિને ઉપર લાવવાના આશયથી મોટા ભાગની યોજનાઓ આદિવાસી જનજાતિ, અનુસૂચિત જનજાતિ અને બક્ષી પંચ જેવી જાતિઓ માટે હોય છે. જેમાં કેટલીક યોજનાઓ ફક્ત ચોક્કસ જાતિ માટે જ હોય છે, જ્યારે કેટલીક યોજનાઓમાં ચોક્કસ જાતિઓ માટે અમુક ટકા ફાળવણી કરવી ફરજિયાત હોય છે. તેમ જ મહિલાઓને, શારીરિક ખોડ-ખાપણવાળી વ્યક્તિઓને, ગરીબીરેખાની નીચે જીવતી વ્યક્તિઓને અથવા આર્થિક સ્થિતિ ખરાબ હોય તેવા કુટુંબોને મોટા ભાગની યોજનાઓમાં આવરી લેવામાં આવે છે. 

 

આથી ઇ-યોજના સહાયક માટે વ્યક્તિ કે વ્યક્તિઓનો સમૂહ કઇ જ્ઞાતિ,જાતિ, શારીરિક ખોડ-ખાંપણવાળી છે અને તેમની આર્થિક સ્થિતિ કેવી છે તે જાણવી ઘણી જ અગત્યની બને છે.  વ્યક્તિ કે વ્યક્તિઓનો સમૂહ સેલ્ફહેલ્પ ગૃપ, દૂઘ મંડળી વગેરે સમૂહ સાથે સંકળાયેલ છે કે નહિ તે પણ જાણવાની જરૂરિયાત પણ અમુક યોજનાઓ માટે ફરજિયાત હોય છે. આવા વિવિધ પાસાંઓ જાણવાથી નાગરિકને ઇ-યોજના સહાયક દ્વારા હયાત યોજનાઓના અભ્યાસ (ગણતરીઓ) બાદ યોગ્ય માર્ગદર્શન આપી શકાય છે.

 

સામાન્ય રીતે યોજનાઓ દ્વારા વ્યક્તિ કે વ્યક્તિઓના સમૂહને લોન કે સબસીડીની જરૂરિયાત વઘારે પ્રમાણમાં હોય છે. તેના માટેનાં કારણોમાં રોજગારી મેળવવા અથવા વઘારવા માટે નાના ઘંઘા માટેની જરૂરી કાર્ય-મૂડી, રહેવા માટેનું ઘર બનાવવા, ખેતી માટે સીઝન પ્રમાણે બિયારણ, ખાતર, જન્તુનાશક દવાઓ વગેરેની ખરીદી કરવા, ખેતીનો પાક નિષ્ફળ જાય ત્યારે,  દીકરા કે દીકરીને ભણાવવા કે ઉચ્ચ અભ્યાસ માટે, કુટુંબના સામાજિક પ્રસંગો માટે જરૂરિયાત હોય છે.

 

તે ઉપરાંત સમૂહ દ્વારા થતાં કાર્યો માટે પણ લોન કે સબસીડીની જરૂરિયાત ઊભી થતી હોય છે. જેમકે રસ્તા બનાવવા, કૂવા-બોર બનાવવા અથવા રીપેર કરાવવા(નીચા કરવા), દૂઘ મંડળી માટે જરૂરી સાઘનો ખરીદવા, રસ્તા માટે જરૂરી દિવાબત્તી કરવા, પ્રાથમિક શાળાના ઓરડાઓ માટે, જાહેર ગ્રંથાલય માટે, જાહેર શૌચાલય માટે જરૂરિયાત હોય છે. આમ, આપણે જોઇ શકીએ છીએ કે વ્યક્તિને અપાતી લોન કે સહાયએ સમૂહને આપવામાં આવતી લોન કે સહાય કરતાં ઘણી ઓછી હોય છે.

 

        નાગરિકોને કઠિન સમયમાં મદદરૂપ થવા માટે  યોગ્ય માળખું બનાવવું જોઈએ કે જેના દ્વારા સામાન્ય નાગરિક પણ પોતાની જરૂરિયાત માટે કઈ યોજના વઘુ યોગ્ય રહેશે તે સહજતાથી અને સહેલાઈથી બીજા કોઇની પણ મદદ લીધા વગર જાણી તેમજ સમજી શકે. અહીંયાં કૉમ્પ્યુટરના ઉપયોગ દ્વારા આપવામાં આવતી માહિતીની મદદ એ આખરી નિર્ણય ન રહેતાં, નિર્ણય લેવામાં મદદરૂપ  બની રહે છે.

 

        બઘી યોજનાઓને તેનો ફાયદો કોને કોને થઈ શકે તેમ છે, તેની યાદી તૈયાર કરવી પડે છે. આ યોજનાઓનો ઉપયોગ કોણ કરી શકે તેની પણ યાદી તૈયાર કરવી પડે છે. તેમજ યોજનાઓનો ઉપયોગ કરવા માટે જરૂરી લાયકાતની યાદી પણ તૈયાર કરવી પડે છે.  તે ઉપરાંત જો યોજનાઓનો આપેલ પેરામીટર પ્રમાણે ઉપયોગ કરવામાં આવે તો કેટલો ફાયદો(સહાયના અર્થમાં) થશે તે પ્રકારની માહિતી નાગરિકને બતાવી શકાય તેવા સ્વરૂપની હોય છે. જો વ્યક્તિ માટે એક કરતાં વધુ યોજના યોગ્ય જણાય તો પ્રથમ ક્રમની યોજના નાપસંદ કરે તેવી સ્થિતિમાં ત્યાર પછીના ક્રમે આવતી યોજનાની માહિતી બતાવવી, આ ક્રિયા નાગરિક જ્યાં સુધી કોઇ એક યોજના પસંદના કરે ત્યાં સુધી ચાલુ રાખવામાં આવે છે.

 

            અભ્યાસ માટે પસંદ કરેલ યોજનાઓના નામની યાદી નીચે પ્રમાણે છે.

 

(૧) સ્વર્ણજ્યંતી ગ્રામ સ્વરોજગાર યોજના

(૨) ઇન્દિરા આવાસ યોજના

(૩) ધિરાણ-કમ-સબસીડી યોજના

(૪) રાષ્ટ્રીય વૃદ્ધાવસ્થા પેન્શન યોજના

(૫) રોજગારી બાંયધરીની યોજના

(૬) પાકની ઉત્પાદકતા વધારવા માટે મધમાખી ઉછેરનો વિકાસ

(૭) રાષ્ટ્રીય અપંગ નાણાકીય અને વિકાસ કોર્પોરેશન

(૮) અનિશ્ચિત વ્યવસાય સાથે જોડાયેલા લોકોનાં બાળકો માટે ધોરણ-૧૦ પહેલાંની શિષ્યવૃત્તિ

(૯) અન્ય પછાત કોમના વિદ્યાર્થીઓ માટેની પૂર્વ એસ.એસ.સી.ની શિષ્યવૃત્તિ

(૧૦) અનાજ બેન્ક

 

        અભ્યાસ માટે નક્કી કરેલ યોજનાઓના સાહિત્યનો અભ્યાસ કર્યા પછીથી  યોજનાઓને અસર કરતા ઘટકોની યાદી નીચે પ્રમાણે તૈયાર કરેલ છે.

 

(૧) એસએચજીના સભ્ય હોવું

(૨) બીપીએલ હોવું

(૩) અનુસૂચિત જાતિના હોવું
(૪) અનુસૂચિત જનજાતિના હોવું

(૫) મહિલા હોવું

(૬) અપંગ હોવું
(૭) સમૂહ માટે હોવું

(૮) ખેડૂત હોવું

(૯) મહત્તમ સહાય

(૧૦) મહત્તમ ધિરાણ

(૧૧) ઘર સહાય/ધિરાણ

(૧૨) તાલીમ સહાય

(૧૩) ઉંમર

(૧૪) વાર્ષિક આવક

(૧૫) શૈક્ષણિક લાયકાત

(૧૬) ટેકનીકલ લાયકાત

(૧૭) ટેકનીકલ અનુભવ

(૧૮) રોજગાર અનુભવ

(૧૯) અભ્યાસનું ધોરણ

(૨૦) છાત્રાલયમાં રહેનાર

(૨૧) કામના દિવસો

(૨૨) કુટુંબ દીઠ વ્યક્તિઓને મળેલ કામ

(૨૩) સમય મર્યાદા

(૨૪) પછાત ગ્રામીણ વિસ્તારના રહેવાસી

(૨૫) અનિશ્ચિત વ્યવસાય

 

        અભ્યાસ દ્વારા “યોજનાઓની પસંદગી કરવા માટે ફરજિયાત ઘટકોની યાદી”, “યોજનાઓની પસંદગી કરવા માટે ફરજિયાત સિવાયના ઘટકોની યાદી”, “યોજનાઓની પસંદગી કરવાથી થતા આર્થિક ફાયદાના ઘટકોની યાદી”, “બધી યોજનાઓ અને બધા અસર કરતાં ઘટકોની યાદી”, “બધી યોજનાઓ અને બધા અસર કરતાં ઘટકોના મહત્તમ ભારાંકની યાદી”, “યોજના પસંદગીના ધોરણનું કોષ્ટક” કોષ્ટકો તૈયાર કરવામાં આવેલ છે. અહીંયાં ભારાંક કોષ્ટકને તૈયાર કરવામાં ધ્યાનમાં લેવાયેલ મુદ્દાઓને બતાવવામાં આવેલ છે, બતાવેલ મુદ્દાઓ ઉપરથી ભવિષ્યમાં આવનાર નવી યોજના માટેના ઘટક અને તેનો ભારાંક કેવી રીતે લેવો તેમાં તે મદદરૂપ થાય છે.

 

        ગાણિતીક રીતે તૈયાર કરેલ માહિતીની સત્યાર્થતા ચકાશવા માટે વ્યાવહારિક મુશ્કેલીને ઉદાહરણ તરીકે લઇને તૈયાર કરેલ ગાણિતીક મોડલમાં જવાબ કેવા પ્રકારે મળશે તેને અભ્યાસમાં ત્રણ જુદા-જુદા ઉદાહરણ દ્વારા બતાવેલ છે.

 

        સામાન્ય રીતે ટૂંકામાં ટૂંકો રસ્તો શોધવા માટે ભારાંકની કિંમત દરેક રસ્તાને આપીને તેને આકૃત્તિ દ્વારા દર્શાવી શકાય છે, તેવી જ રીતે યોજના અને ઘટકોના સંબંધને(ભારાંકને) દર્શાવતી આકૃત્તિ તૈયાર કરીને બતાવવામાં આવેલ છે. આમ, આકૃત્તિ દ્વારા બતાવેલ માહિતી સરળતાથી સમજી શકાય છે.

 

        તૈયાર કરેલ મોડલને અમલમાં મૂકવા માટે યોજનાઓને અસર કરતા ઘટકોની માહિતી નાગરિક પાસેથી લેવામાં આવે છે. તે માહિતી નાગરિક સમજી શકે તેવા સ્વરૂપમાં રૂપાંતર કરવામાં આવે છે. અભ્યાસ માટે દરેક ફોર્મ ગુજરાતીમાં બનાવેલ છે. પરંતુ ગુજરાત બહારના લોકો પણ ગુજરાતમાં સ્થાયી થયેલા હોય છે. તેમના માટે ઇ-યોજના સહાયકના પહેલા ફોર્મને ગુજરાતી તેમજ હિંદી ભાષામાં જોઇ શકાય તેવા પ્રકારની ડિઝાઇન તૈયાર કરવામાં આવેલ છે.

 

        ઇ-યોજના સહાયકમાં ફોર્મ ઉપરાંત અગત્યતા ધરાવતા ડેટાબેઝની માહિતી પણ આપવામાં આવેલ છે, જેમાં form_table, yojan_name_tab, field_name_tab, type_name_tab, weight_table, parameter, yojna_info અને all_calc_tab  ટેબલની માહિતી બતાવવામાં આવેલ છે. નાગરિક પાસેથી લીધેલ માહિતી અને યોજનાઓ વિષેની માહિતીવાળા ડેટાબેઝની મદદ દ્વારા ઇ-યોજના સહાયકની મુખ્ય ગણતરી કરવામાં આવે છે. તેની સમજ પ્રોગ્રામનો કોડ બતાવીને કરવામાં આવેલ છે.

 

        ગણતરી પૂર્ણ થયા બાદ આપણી પાસે બે શક્યતાઓ રહેલી છે, ગણતરી દ્વારા તૈયાર થયેલ માહિતી જોવી અથવા ગણતરી દ્વારા પસંદ કરેલ યોજનાઓની યાદી જોવી. સામાન્ય રીતે નાગરિક માટે ગણતરી દ્વારા પસંદ કરેલ યોજનાઓની યાદી જોવાનું કાર્ય કરવામાં આવતું હોય છે. બંને શક્યતાઓ માટેના પ્રોગ્રામના કોડ બતાવીને સમજાવવામાં આવેલ છે. ગણતરી દ્વારા પસંદ કરેલ યોજનાઓની યાદી બતાવતા ફોર્મમાં યોજનાઓને ગણેલ ભારાંકના ચઢતા કે ઉતરતા ક્રમમાં ગોઠવણી કરી શકાય છે. તેવી રીતે ધિરાણ અથવા સહાયના ચઢતા કે ઉતરતા ક્રમમાં ગોઠવણી કરી શકાય છે. તેમજ યોજનાનું નામ બદલતા નવી પસંદ કરેલ યોજનામાં મળવાપાત્ર ધિરાણ અને સહાયની માહિતી પણ બતાવવામાં આવે છે.

 

        -યોજના સહાયક દ્વારા તૈયાર કરેલ યાદીમાંથી એક યોજનાને પસંદગી કરતાં યોજના અંગેની વિસ્તૃત જાણકારી મેળવી શકાય છે. તેમજ સમય અંતરે યોજનાઓમાં આવતાં પરિવર્તનો નાગરિક અથવા અધિકારીએ યાદ રાખવાની જરૂરિયાત રહેતી નથી. આટલી માહિતી જોયા પછીથી જો નાગરિકને આ યોજના યોગ્ય લાગતી હોય તો અહીંયાંથી તે સીધા પસંદ કરેલ યોજનાની વેબસાઈટ(તૈયાર કરેલ હોય ત્યારે) ઉપર જઇ શકે તેવી રચના કરેલ છે.

 

        ઇ-યોજના સહાયક માટે તૈયાર કરેલ સમગ્ર પદ્ધતિના આલ્ગોરીધમના માહિતીનો ફલો તૈયાર કરીને બતાવવામાં આવેલ છે. જેનો ઉપયોગ ભવિષ્યમાં આવનાર સુધારા-વધારા માટે કરી શકાય છે.

 

        ઇ-યોજના સહાયક દ્વારા પસંદ કરેલ યોજનાનું કૉમ્પ્યુટીકરણ કરેલ હોય તો તેનો ફાયદો નાગરિક મેળવી શકે છે. આમ અભ્યાસમાં દરેક યોજનાનું કૉમ્પ્યુટીકરણ કરવાના બદલે “સ્વર્ણજ્યંતી ગ્રામ સ્વરોજગાર યોજના” નું કૉમ્પ્યુટીકરણ કરીને બતાવેલ છે. સ્વર્ણજ્યંતી ગ્રામ સ્વરોજગાર યોજના માટેની પ્રાથમિક માહિતી આપવામાં આવેલ છે.  સ્વર્ણજ્યંતી ગ્રામ સ્વરોજગાર યોજના માટેના અગત્યના પાસા તરીકે “સ્વ-સહાય જૂથ”ની પણ પ્રાથમિક માહિતી આપવામાં આવેલ છે. સ્વર્ણજ્યંતી ગ્રામ સ્વરોજગાર યોજનાની પ્રાથમિક માહિતી આપ્યા બાદ સ્વર્ણજ્યંતી ગ્રામ સ્વરોજગાર યોજનાના કૉમ્પ્યુટીકરણની માહિતી આપવામાં આવેલ છે.

 

        સ્વર્ણજ્યંતી ગ્રામ સ્વરોજગાર યોજનાના કૉમ્પ્યુટીકરણના મુખ્ય પૃષ્ઠમાં આ યોજનાને સાત ભાગમાં વિભાજિત કરવામાં આવેલ છે. જે અનુક્રમે “એડમિનિસ્ટ્રેટર”, “નવા સભ્ય કે જૂથ”, “લોનની અરજી”, “ટીડીઓ”, “મિટિંગ”, “અહેવાલ” અને “મુશ્કેલીઓ માટે” જેવા ભાગોમાં વિભાજિત કરેલ છે.

 

        અહીંયાં એડમિનિસ્ટ્રેટરને પાછા છ વિભાગોમાં વિભાજિત કરેલ છે, જે અનુક્રમે “જિલ્લો”, “તાલુકો”, “ગામ”, “બીપીએલની માહિતી”, “યોજના ફંડ” અને “બેંક” છે. જેમાના “યોજના ફંડને” પાછા બીજા બે વિભાગોમાં વિભાજિત કરેલ છે, જે અનુક્રમે “યોજના ફંડની ફાળવણી” અને “યોજના ફંડની ચૂકવણી કરવી” છે. તેવી રીતે “બેંકને” પણ બીજા બે વિભાગોમાં વિભાજિત કરેલ છે, જે અનુક્રમે “બેંકની માહિતી” અને “બેંકના ખાતાની માહિતી” છે.

        “નવા સભ્ય કે જૂથને” પણ બે વિભાગમાં વિભાજિત કરેલ છે, જે અનુક્રમે “નવા સભ્ય” અને “નવા જૂથ” છે. “મિટિંગને” ત્રણ વિભાગમાં વિભાજિત કરેલ છે, જે અનુક્રમે “જૂથ મિટિંગ નક્કી કરતી વખતની માહિતી”, “જૂથ મિટિંગ પૂર્ણ થાય તે વખતે” અને “જૂથ મૂલ્યાંકન” છે. “અહેવાલને” પણ બે વિભાગમાં વિભાજિત કરેલ છે, જે અનુક્રમે “લોન ફોર્મ” અને “ટીડીઓ ફોર્મ” છે.

 

        આમ, સમગ્ર સ્વર્ણજ્યંતી ગ્રામ સ્વરોજગાર યોજનાના કૉમ્પ્યુટીકરણની ડિઝાઇનને તેના વિવિધ ફોર્મ અને તેને અસર કરતા ડેટાબેઝના ટેબલની માહિતી આપવામાં આવેલ છે. અહીંયાં કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા યોજના માટે  ફાળવવામાં/ચૂકવવામાં આવતી રકમને દાખલ કરતાં આપમેળે દરેક ગામ પ્રમાણે તેની વહેંચણીનું કાર્ય કરવામાં આવે છે. આ પદ્ધતિનો ઉપયોગ કરવાથી નાગરિક પોતાની માહિતી પહેલી વખત આપે છે, તેનો ઉપયોગ કરીને જ્યારે બીજી વખત નાગરિક આ પદ્ધતિ પાસે જાય છે ત્યારે આગળ આપેલ માહિતીનો ઉપયોગ કરવામાં આવતો હોવાથી નાગરિકનો સમય બચાવી શકાય છે. જેમકે નાગરિકને ધિરાણ લેવી હોય ત્યારે ભરવાના ફોર્મમાં આવતા ક્ષેત્રોમાં અગાઉ આપેલ માહિતીમાંથી ડેટા મેળવીને બતાવાવામાં આવે છે. બતાવેલ માહિતીમાં જો સુધારા હોય તો તે સુધારા કરવાની પણ તક આપવામાં આવે છે.

 

        “સ્વ-સહાય જૂથ”ના કાર્યોમાં સરળતા કરવાના હેતુથી જૂથની મિટિંગની માહિતી, જેવી કે જૂથના મિટિંગના મુદ્દાઓ, મિટિંગમાં હાજર રહેનાર સભ્યોની સંખ્યા અને મિટિંગના મુદ્દાને મંજૂર કે નામંજૂર કરનાર સભ્યોની સંખ્યા જેવી માહિતી કૉમ્પ્યુટરની મદદ દ્વારા સંગ્રહિત કરવા માટેની પદ્ધતિ અહીંયાં ઉમેરવામાં આવેલ છે, તે ઉપરાંત જૂથના મૂલ્યાંકનની સુવિધા પણ આપેલ છે.

 

            બધા કાર્યો કૉમ્પ્યુટર દ્વારા કરાવવાના હોય તો તૈયાર કરેલ પદ્ધતિ યોગ્ય રહે, પરંતુ અત્યારના સમયમાં ફક્ત કાગળ ઉપર ભરેલ ફોર્મ સરકારી ઑફિસોમાં ચાલી શકે તેવી સ્થિતિમાં કૉમ્પ્યુટીકરણ કરેલ પદ્ધતિમાં તૈયાર થતા ફોર્મને છાપવાની સુવિધા આપવામાં આવેલ છે. આમ, અહીંયાં અહેવાલમાંથી અનુક્રમે “લોન ફોર્મ” અથવા “ટીડીઓ ફોર્મ” દ્વારા ફોર્મ છાપી શકાય છે.

 

        અભ્યાસ વખતે દરેક ફોર્મ ગુજરાતીમાં બતાવવા માટે યુનીકોડ(Unicode)નો ઉપયોગ કરેલ છે. યુનીકોડમાં ગુજરાતી ફોન્ટ “Shruti” નો ઉપયોગ કરવામાં આવેલ છે. જ્યારે યુનીકોડમાં હિંદી ફોન્ટ “Mangal” નો ઉપયોગ કરવામાં આવેલ છે. અભ્યાસ વખતે પ્રોગ્રામ તૈયાર કરવા માટે Microsoft Visual Studio .Net 2003(Microsoft Development Environment 2003 Version 7.1.3088 અને Microsoft .Net Framework 1.1 Version 1.1.4322) નો ઉપયોગ કરવામાં આવેલ છે. ASP.NET પ્રોગ્રામ તૈયાર કરવા માટે VB.NET ભાષાનો ઉપયોગ કરેલ છે.  વિઝ્યુલ સ્ટુડીયો દ્વારા ફોર્મ સરળતાથી બનાવી શકાય છે, જ્યારે ફોર્મમાં યુનીકોડ અક્ષરો ઉપયોગમાં લીધેલ હોય ત્યારે તેવા ફોર્મને Save As માં જઇને ફાઇલનું નામ આપી Save કરતી વખતે Unicode (UTF-8 with signature) -Codepage 65001 ના સ્વરૂપે સંગ્રહિત કરવામાં આવે છે.

 

        ઇ-યોજના સહાયકના પહેલા ફોર્મને ગુજરાતી તથા હિંદીમાં બતાવવા માટે ASP.NET માં મળતી મલ્ટી-લેન્ગયુઅલની સુવિધાનો ઉપયોગ કરવામાં આવેલ છે. ગુજરાતી અને હિંદી ભાષામાં માહિતી બતાવવા માટે દરેક ભાષા પ્રમાણે કેવી રીતે રિસોઅર્સ ફાઇલ બનાવવામાં આવે છે, તેમજ તેમાં માહિતી કેવા સ્વરૂપે લખવામાં આવે છે, તેને સમજાવવામાં આવેલ છે. તૈયાર થયેલ રિસોઅર્સ ફાઇલને ઉપયોગમાં લેવા માટે કરવામાં આવતી પ્રક્રિયાઓ પણ સમજાવવામાં આવેલ છે. એક વખત તૈયાર કરેલ રિસોઅર્સ ફાઇલને પ્રોગ્રામમાં ઉપયોગમાં લેવા માટેની માહિતી તૈયાર કરેલ કોડ દ્વારા બતાવવામાં આવેલ છે.

 

        સામાન્ય રીતે ASP.NETમાં અહેવાલ બનાવવા માટે મળતી સુવિધા ક્રિસ્ટલ રિપોર્ટ વિષે ઉપયોગ કરેલ માહિતી સમજાવેલ છે. તેમ જ સ્વર્ણજયંતી ગ્રામ સ્વરોજગાર યોજના માટેના ધિરાણનું ફોર્મ નાગરિક દ્વારા ભરાઇ ગયા બાદ અહેવાલ સ્વરૂપે લેવામાં પડતી મુશ્કેલીને દૂર કરવા માટે ઉપયોગમાં લીધેલ ફોર્મની મદદ માટે પણ સમજાવવામાં આવેલ છે.

 

        મોટાભાગના ફોર્મમાં Web Forms ના ઓબ્જૅક્ટસ લેવાના બદલે  HTML ના ઓબ્જૅક્ટસનો ઉપયોગ કરવામાં આવેલા છે. આમ કરવા પાછના કારણને વિસ્તૃત રીતે સમજાવવામાં આવેલ છે. આમ કરવાથી અભ્યાસ વખતે ઘણા ફોર્મમાં જાવા સ્ક્રિપ્ટનો ઉપયોગ કરવામાં આવેલ છે. ફોર્મમાં જાવા સ્ક્રિપ્ટનો ઉપયોગ કરવાથી માહિતી દાખલ કરે કે તરત(સર્વર ઉપર ગયા વગર) પ્રક્રિયા કરી શકાય છે.

 

        જેમ કે સ્વર્ણજયંતી ગ્રામ સ્વરોજગાર યોજના માટેના ધિરાણનું ફોર્મ નાગરિક દ્વારા ભરતી વખતે ત્રણ ધિરાણની રકમો તે દાખલ કરી શકે છે. જ્યારે પણ નાગરિક ધિરાણની રકમ દાખલ કરે ત્યારે આપેલ કુલ રકમને શબ્દોમાં બતાવવાની જરૂરિયાત ઉભી થાય છે.  ગુજરાતીમાં આંકડામાંથી શબ્દોમાં રૂપાંતર કરવા માટે જાવા સ્ક્રિપ્ટનો ઉપયોગ કરીને બનાવેલ ફંકશને તેના કોડ સાથે સમજાવેલ છે.

 

        આઝાદી પહેલાંના ભારત દેશમાં રાજાઓ દ્વારા ઢોલ-નગારાં વગાડીને ગ્રામજનોને ભેગા કરી રાજાની જાહેરાતોની જાણ કરવામાં આવતી હતી, અત્યારની સ્થિતિમાં લોકોના નવરાશનો સમય જુદો-જુદો હોવાથી, આ પદ્ધતિ શક્ય લાગતી નથી. સામાન્ય નાગરિક સ્વર્ણજયંતી ગ્રામ સ્વરોજગાર યોજના કૉમ્પ્યુટીકરણ પ્રક્રારની ઍપ્લિકેશનનો ઉપયોગ કરવાનો હોવાથી અહીંયાં ખાસ પ્રકારની સુવિધા આપવાનો પ્રયત્ન કરેલ છે. જ્યારે નાગરિક અરજી પત્રક ભરતો હોય ત્યારે તે આપવાની માહિતી અવાજ સ્વરૂપે સંભળાવવામાં આવે છે. તેવી જ રીતે જ્યારે નાગરિક ધિરાણ લેવા માટેની રકમ દાખલ કરે છે, ત્યારે તેને કુલ ધિરાણની રકમ પણ અવાજ સ્વરૂપે સંભળાવવા માટેનું તર્ક તૈયાર કરેલ છે. અભ્યાસમાં આ તર્કનો કોડ બતાવીને સમજાવવામાં આવેલ છે.

 

        અભ્યાસ વખતે ઉપયોગમાં લીધેલ હાર્ડવેર તથા સોફટવેરની માહિતી આપવામાં આવેલ છે. અભ્યાસની શરૂઆત મુક્ત/ઓપન સોઅર્સ સૉફટવેર દ્વારા તૈયાર કરવા માટે જાવા તકનીકીમાં JSPમાં પ્રોગ્રામ બનાવવાથી કરેલ હતી. પરંતું તેમાં થયેલ મુશ્કેલીઓના કારણે ડોટનેટ તકનીકમાં ASP.NET ની ભાષા VB.NET માં અભ્યાસ કરવા માટે જરૂરી વસ્તુઓ ચકાસ્યા પછીથી ASP.NETમાં આખો અભ્યાસ કરવામાં આવેલ છે. તેના માટે જરૂરી Microsoft Visual Studio .Net 2003માં કાર્ય કરેલ છે.

 

        અભ્યાસ વખતે ઉપયોગમાં લીધેલ ડેટાબેઝમાં આવેલ બધા ટેબલોની માહિતીને બતાવવામાં આવેલ છે. ઇ-યોજના સહાયકને પ્રસ્થાપિત કરવા માટેના કૉમ્પ્યુટરમાં ચાલક પદ્ધતિ તરીકે Windows XP હોવું જરૂરી છે. તેના અનુસંધાને IIS v5.1 ચાલુ કરેલ હોવું જોઇએ. બધા ફોર્મને ગુજરાતીમાં બતાવવા માટે યુનીકોડનો ઉપયોગ કરવામાં આવેલ હોવાથી ચાલક પદ્ધતિ તરીકે Windows XP અનિવાર્ય બને છે. જો ઉપયાગ કરનારને યુનીકોડમાં ગુજરાતી ભાષા કેવી રીતે ઉપયોગમાં લેવામાં આવે છે, તેનો ખ્યાલ ના હોય તો તે કેવી રીતે પ્રસ્થાપિત કરવામાં આવે છે તે બતાવેલ છે. તેમ જ IIS v5.1 પણ પ્રસ્થાપિત કરવાનું પણ બતાવવામાં આવેલ છે.

 

        અભ્યાસ દ્વારા તૈયાર કરેલ સૉફટવેરનો ઉપયોગ જ્યારે સામાન્ય નાગરિક કરતો હોય છે, ત્યારે તેને ઓપરેટ કરવાથી એક પછી એક જોવા મળતા સ્ક્રીન બતાવવામાં આવેલ છે.

pdf file

 

Back to Home